મનની જટિલતા અને જીવન

મન જેટલું જટિલ છે એટલું જ સરળ પણ છે. ચાલો! આપણે મનની જટિલતા ને સરળતામાં ફેરવીને જીવનને ખુશહાલ બનાવવાની વાત કરીએ.

મન અખૂટ શક્તિનો સ્ત્રોત છે, આપણે જે પણ હાંસિલ કરવું હોય એ માટે આપણે મનને તાલીમ આપવી પડે અને યોગ્ય વલણ દ્વારા એને પ્રાપ્ત કરી શકાય છે.

આ વાંચીને મનમાં વિચાર ઉત્પન્ન થશે કે મનને તાલીમ કંઈ રીતે આપવી? આપણું મન પુનરાવર્તિત ક્રિયાઓ પર કામ કરે છે, મન ફક્ત વિચારની પ્રક્રિયા કરે છે. ટૂંકમાં, આપણે જે જોઈએ છીએ, અનુભવીએ છીએ અને જે કંઈ કરીએ છીએ તેનાથી જ આપણું મન વિચારસરણી બનાવે છે. આ વિચારસરણીથી આપણી માનસિકતા બની જાય છે, માનસિકતાથી આદત બને છે અને આ બધાના સમન્વયથી જીવનશૈલી બને છે. આપણે મનની કાર્ય કરવાની રીત જાણી ગયા તો બસ હવે જે પણ પામવું હોય તેના માટે વિચાર કરવાનું શરુ કરો. તમે તમારા જીવનથી સંતુષ્ટ ન હોવ તો જરા થોભો. તમારા મનને લાલ સિગ્નલ આપો કે અલગ રીતે કામ કરવુ પડશે.

તમારી વિચાર પ્રક્રિયા પર સમયસર ધ્યાન આપો. વિચારો પર નિયંત્રણ કરવાની ટેવ વિકસાવી જુઓ કારણ કે આપણા વિચારો અને માનસિકતા આપણા વાતાવરણથી પેદા થાય છે જેમાં માતા-પિતા, મિત્રો, સાથીદાર વગેરેનો સમાવેશ થાય છે. તમે તમારી જાત ને પ્રશ્ન પુછો કે શું હું મારા વિચારો અને માનસિકતાથી ખુશ છું કે નહી? જો જવાબ “હા” છે તો તમે ચોક્કસપણે સારું જીવન જીવો છો પણ જો જવાબ “ના” છે, તો ચોક્કસપણે તમે સાચા માર્ગ પર નથી, તે બતાવે છે કે આપણે કોઈ હેતુ કે દિશા વગર બીબાઢાળ વિચારો સાથે જીવન પસાર કરીએ છીએ. આપણી વિચાર પ્રક્રિયામાં બદલાવ આપણને ચોક્કસપણે વધુ સારી જીવનશૈલી તરફ દોરી જશે.

આ કેવી રીતે કરી શકાય? આનો જવાબ પાંચ-પગલાંની પ્રક્રિયા છે જે મદદ કરી શકે છે.

પગલું – ૧:
તમારા જીવનમાં જે વસ્તુઓ તમે ઇચ્છો છો તેની યાદી તૈયાર કરો, તમારો ધ્યેય શું છે, તમે શું કરવા માગો છો અને તમે સૌથી વધુ શું કરવાનું ગમે છે. વસ્તુઓની યાદી તૈયાર કરીને તે દિશામાં કામ કરવાનું શરૂ કરી શકાય. તેનાથી બિનજરૂરી વિચારોમાંથી મુક્તિ મળશે.

પગલું – ૨:
યાદી તૈયાર કરવાથી આપણે આપણી ક્રિયાઓ અને વિચારોથી પરિચિત બનીશું. આને સ્વ-જાગૃતિ પણ કહી શકાય. જીવનમાં જે કાંઈ પણ જોઈએ છે તેના માટે કેટલા પ્રયત્નો કરીએ છે, આપણા વિચારો અને માનસિકતા સુખ-શાંતિ આપે છે કે નહીં. આ બધી માહિતી મળશે.

કેટલાક લોકો નકારાત્મક વિચારો ના શિકાર હોય છે, ભૌતિક જીવન વિશે વધારે મહત્ત્વાકાંક્ષી હોય છે. ઉદાહરણ તરીકે: બ્રાન્ડેડ વસ્તુઓ, કાર, નાણાં શક્તિ, સમાજમાં ઉચ્ચ દરજ્જો, મોટી કંપનીઓમાં નોકરી વગેરે. હા, આ વિચારવું જરૂરી છે અને ભૌતિક વસ્તુઓની પ્રાપ્તિ અનિવાર્ય છે પરંતુ માત્ર તેના જ વિચારો નકારાત્મકતાની નિશાની છે. ઈર્ષ્યા, અસંતોષ, શોક, ભય. આ નકારાત્મક માનસિકતાનાં મૂળ છે. એનાથી સાવચેત રહો.

પગલું – ૩:
તમને જેમાં રુચિ હોય તેવું વ્ય્વસાય શોધો. જો તમે પહેલાથી જ જાણો છો તો તેના તરફ કાર્ય કરવાનું શરૂ કરો. અને જેઓ પહેલેથી જ તેના પર કામ કરી રહ્યા છે તો તમને અભિનંદન ! જો તમે ઈચ્છતા હોવ તો તમારા વ્યવસાયમાં તમે પસંદગીનું કામ કરી શકો છો. તમારે તમારા જીવનના કલ્યાણ માટે આર્થિક સ્થિરતા લાવી જ પડશે, એ એક હકીકત છે. તેથી જો મનપસંદ વ્ય્વસાય કરો તો તમને શાંતિ અને સંતોષ મળશે. કાર્ય બોજ નહી લાગે, નિરાશાનો અનુભવ પણ ક્યારેય નહીં થાય કારણ કે તમને જે ગમે છે એ ઊર્જા જ આપશે અને ક્યારેય થાક નહીં અનુભવાય. એકવાર તમે તમારા પ્રિય વ્ય્વસાયમાં કામ કરવાનું શરૂ કરી લો પછી પૈસા પણ પુષ્કળ મળશે.

પગલું – ૪:
તમારા શોખને સમય આપો. તાજગી (રિફ્રેશમેન્ટ) માટે આ ખૂબ મહત્વનું છે. મનને પરિવર્તન પસંદ છે. જો તમે માત્ર એક કે બે કાર્યો વારંવાર કરો છો તો તે કંટાળાને નોતરું છે. તમારી જીવનશૈલી (રૂટિન) એવી રીતે બનાવો કે જે તમને સંતોષથી પૂર્ણ કરી શકે. તમારા શોખને સમય આપવાથી દિલ ને આનંદ જ મળશે.

પગલું – ૫:
તમારા શારીરીક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય તેમજ ભાવનાત્મક સ્વાસ્થ્ય વિશે કાળજી લો. યોગ, ધ્યાનને આદત બનાવો. તમને જીવનમાં વિશાળ દ્રષ્ટિ મળશે.

આ ૫ પગલાંઓ ઉપર અમલ કરો અને તમારા મનની જટિલતાને સરળતામાં ફેરવો. તમારા મનને તે દિશામાં તાલીમ આપો, જે રીતે તમે તમારું જીવન જીવવા માંગો છો.

તમે સ્પષ્ટ વિચારસરણી દ્વારા જીવનની વિવિધ પરિસ્થિતઓ વચ્ચે પણ તાલ મેળવી શકશો. સ્વ- મૂલ્યાંક્નથી તમે વધુ સારા વ્યક્તિ બની શકો છો અને તમારા પરિવાર, મિત્રો, તમારા પ્રિયજનો સાથે સરસ રીતે સમય પસાર કરી શકો છો અને જવાબદારીઓ આનંદ સાથે પુરી કરી શકો છો.

આ લયબદ્ધ વિચાર પ્રક્રિયા તમારા વ્યવસાય, શોખ (હોબી), આરોગ્ય, કૌટુંબિક અને સામાજિક જીવન વગેરે જેવા ઘણા પાસાંઓ સાથે જીવનને સંતુલિત કરે છે. તમારા જીવનના દરેક તબક્કે સંતોષનો અનુભવ થશે તેથી તમારી આંતરીક સુંદરતા વધશે.

ચાલો! મનની જટિલતાને આ રીતે સરળતામાં ફેરવવાનો સંકલ્પ કરીએ અને જીવનને ખુશીથી પસાર કરીએ.

One thought on “મનની જટિલતા અને જીવન

Add yours

Leave a Reply

Up ↑

%d