આપણે સકારાત્મકતાની શક્તિ જાણીએ છીએ, પરંતુ આ શકિતનો આપણા જીવનમાં ઉપયોગ કેવી રીતે કરવો જોઈએ તે વિશે સતત ગૂંચવણ રહે છે. આ લેખમાં સ્પષ્ટતા આપવાનો પ્રયાસ કર્યો છે.
સકારાત્મક ઊર્જા બહાર શોધવાની જરૂર નથી પણ તમારી અંદર જ છે, તમે જ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત છો. પરંતુ આપણને આપણી અંદર ઝાંકવાની ટેવ હોતી નથી.
આપણા જીવનમાં આપણી પરિસ્થિતિઓ વિશેનો આપણો અભિગમ આપણી ઊર્જા માં બહુ મોટો ફાળો આપે છે. જ્યારે પરિસ્થિતિઓ આપણા તરફેણમાં હોય ત્યારે આપણે “સુખી” હોઈએ છીએ, અને જો તે વિપરીત છે તો આપણે “ઉદાસ” થઈએ છીએ. આપણું સુખ પરિસ્થિતિઓ પર આધારિત છે અને જ્યારે પરિસ્થિતિઓ ન ગમતી હોય ત્યારે આપણે જીવનમાં અસંતોષની સ્થિતિથી પીડાઈએ છીએ.
આ અપેક્ષાથી પર થઈ જવાનો પ્રયાસ કરીએ તો સકારાત્મક ઊર્જાનો અનુભવ થશે. દરેક પરિસ્થિતિને હસતાં-હસતાં જીવી લેવા તૈયાર થઈશું તો ચોક્કસપણે સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત બની જઈશું. આ નવા વિચારો અમલમાં મુકવા માટે મનને કેળવણી આપીશું, તો સુખ અને સંતોષથી પૂર્ણતાનો અનુભવ થશે. મનમાં પરિસ્થિતિઓને લઈને દુઃખ અનુભવવાથી મુશ્કેલી જતી નહિ રહે.
તમારા અસ્તિત્વમાં કૃતજ્ઞતા રાખો, તમારી પરિસ્થિતિઓમાં સંતોષ અનુભવો. પરમેશ્વરમાં શ્રદ્ધા રાખો, તેમના આશીર્વાદ પામ્યાનો અનુભવ કરો, જીવનને પરમેશ્વર દ્વારા અપાયેલી ભેટ તરીકે જીવો. દ્રઢ વિશ્વાસ રાખો કે જે પણ મળ્યું છે એ સારું જ છે. જે તમારા ગુરુએ (પરમેશ્વરે) તમારા માટે લખ્યું છે, તે તમારા માટે યોગ્ય છે. તેના પર વિશ્વાસ કરો.
તમે આ વિચાર અનુસરવાથી સંતોષ વિકસાવી શકો છો. તમારા અસ્તિત્વમાં (વ્યક્તિત્વ) સકારાત્મકતા ફેલાઈ જશે. તમે તમારા માટે જ સકારાત્મક ઊર્જાનો સ્ત્રોત બની શકો છો.
તમે જ કેન્દ્ર છો- સકારાત્મક ઊર્જાનું અને નકારાત્મક ઊર્જાનું, જે આપણે સંતોષ વર્તુળ અને અસંતોષ વર્તુળ દ્વારા સમજીએ.
સંતોષ વર્તુળ બતાવે છે કે જ્યારે તમે સંતોષકારક સ્થિતિમાં છો, ત્યારે તમને સકારાત્મકતા લાગે છે જે સકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે. સકારાત્મક ઊર્જા સુખ અને શાંતિ તરફ દોરી જાય છે તે તમારી સકારાત્મક શક્તિ છે. જે તમારી અંદર જ રહેલી છે.
સંતોષ વર્તુળ
અસંતોષ વર્તુળ
અસંતોષ વર્તુળ બતાવે છે કે જ્યારે તમે અસંતોષ સ્થિતિમાં છો, ત્યારે તમને નકારાત્મકતા લાગે છે જે નકારાત્મક ઊર્જામાં પરિવર્તિત થાય છે. નકારાત્મક ઊર્જા તિરસ્કાર અને હતાશા તરફ દોરી જાય છે તે તમારી નકારાત્મક શક્તિ છે. આ નકારાત્મક ઊર્જા પણ તમારી અંદર જ રહેલી છે.
આ રીતે, આપણા અંતરમાં પહેલેથી જ ઊર્જા શક્તિ છે. તમારે નક્કી કરવાનું છે કે તમારે કેવી ઊર્જા જોઈએ છે સકારાત્મક ઊર્જા કે નકારાત્મક ઊર્જા. બધાને સકારાત્મક ઊર્જા જોઇએ છે જે સંતોષ વર્તુળમાં બતાવી છે. પરંતુ મોટાભાગે આપણે તેને મેળવવાનો પ્રયાસ કરી રહ્યા નથી તેથી આપણે અસંતોષ વર્તુળનો ભોગ બનીએ છીએ.
આપણી પાસે બધી શક્તિ છે, પરંતુ આપણે સ્વયં પર ધ્યાન કેન્દ્રિત કરીને ઊર્જાનો અનુભવ કરવો જોઇએ. જો આપણે તે મેળવીએ, તો આપણે જે જોઈએ તે બધું હાંસિલ કરી શકીએ છીએ.
જીવનમાં સંતોષકારક સ્થિતિ શાંતિ આપે છે. તમારું વ્યક્તિત્વ ખુશખુશાલ બનાવે છે. તમારા કાર્યોને તમે વધુ સારી રીતે પુરા કરી શકો છો, શ્રેષ્ઠ પરિણામો મેળવી શકો છો. વિપરીત સંજોગોમાં પણ ટકી શકો છો.
જે તમારા નિયંત્રણમાં છે, જો તે તક્લીફદાયક હોય તો તેનું સમાધાન શોધો પણ જે પરિસ્થિતિ તમે નિયંત્રિત કરી શકતા નથી તેને નિયંત્રિત કરવાનો વ્યર્થ પ્રયાસ છોડો. તે તમારા મનને બોજ આપશે અને નકારાત્મકતા તરફ લઈ જશે પરંતુ આવી પરિસ્થિતિમાં તમે સકારાત્મકતા જાળવી રાખશો તો બોજમાંથી મુક્ત થઇ શકશો. જ્યારે આપણે ” શું થવુ જોઈતુ હતું ” અને ” શું હશે અથવા થશે ” એ છોડી વર્તમાનમાં શું છે તે સ્વીકારીશું તો અખૂટ આનંદ મળે છે.
વર્તમાનમાં રહો અને તમારા અસ્તિત્વ માટે સંતોષ અને સકારાત્મક ઊર્જા અનુભવો. ખુશીથી જીવન પસાર કરો.
તમારે પસંદગી કરવાની છે – સંતોષથી સકારાત્મકતાની યાત્રા કરવી છે કે અસંતોષથી નકારાત્મકતાની યાત્રા કરવી છે!