મનનો અરીસો

આપણે દરરોજ આપણી જાતને અરીસામાં જોઈએ છે, આપણો બાહ્ય દેખાવ બરાબર છે કે નહીં, પણ કદી આંતરિક દેખાવ, આંતરિક સ્થિતિ જોઈએ છે ખરા? અરીસામાં શરીર તો દરરોજ જોઈએ છે પણ કદી મનને જોઈએ છે?

આપણી ખુશીઓનો ખજાનો આ જ મનના અરીસામાં છુપાયેલો છે. આ અરીસો શોધવા માટેની એક જ શરત છે કે આપણે એકાંતમાં પોતાની જાત સાથે જોડાવું પડશે. એકાંતમાં બેસીને પોતાની જાત સાથે જોડાઈશું તો જ પોતાના વિશે વધારે ઊંડાણમાં જાણી શકીશું. પોતાની ઈચ્છાઓ ઓળખી શકીશું.

અરીસાની ખાસિયત એ છે કે આપણે જેવા હોઇએ તેવા જ દેખાઇએ, એમ જ જયારે મનને અરીસામાં જોવું હોય તો આપણે પારદર્શક બનવું પડશે. કોઇ પણ દંભ વગર પોતના ભાવ, ઈચ્છાઓ જોવી પડશે. લોકૈષણાની ઘેલછા છોડી પોતાની જાતને જોવી પડશે, તો જ મનનો અરીસો મળશે.

આપણી જરૂરિયાત અભિવ્યક્તિની (Expressiveness) હોય છે, એ આપણે પૂરી કરતા નથી એટલે મનનો અરીસો શોધી શકતા નથી.

  • જે ગમે છે – એ બોલો (અભિવ્યક્ત કરો), જે નથી ગમતું – એ ન બોલો.
  • જે ગમે છે – તે પહેરો, જે નથી ગમતું – તે ન પહેરો.
  • શું ભાવે છે – તે ભોજન લો, જે નથી ભાવતું – તે ભોજન ન લો. પણ આપણે એકદમ ઊંધું કરીએ છે.

આપણને જે ગમે – એ નથી બોલતા, પણ બીજાને શું ગમશે તે બોલીએ છે. આપણને જે પહેરવું હોય તેમાં શરીર સાથ ન આપે, વજન વધી જાય અને જે પહેરવું પડે એ અનુકૂળ નથી આવતું (Not suitable an outfit). આપણને જે ભોજન લેવું હોય એનાથી પેટ બગડે, કાં તો અમુક લોકો એમાં પણ દેખાદેખી કરતા હોય છે, ભોજન માટે મોંઘી હોટલમાં જઈએ અને ન ભાવતું ભોજન પણ લોકો સાથે દેખાદેખી કરવા લેતા હોય છે, આવા કેટલાય કારણો હોય છે. એટલે પછી અરીસો મળતો નથી, લોકૈષણાની ઘેલછાથી એક નકાબ પહેરી લઇએ છે અને મનોમન દુઃખી થઈ જઈએ છે.

તમે પોતે તમારા દિલની ઈચ્છાઓ સમજો અને જાતે જ પૂરી કરો. ખુશી મેળવવા પણ પ્રયત્ન કરવો પડે છે, કશું જ મહેનત વગર ન મળે. જે ગમે છે એ કરતા નથી અને જે કરીએ છે એ ગમતું નથી – આ જ કારણે આપણે નકાબ પહેરી લઈએ છે.

આપણી ઈચ્છાઓ, આપણું મનગમતું કાર્ય આપણે જ કરવું પડે છે, કોઈ બીજા નહીં કરે. આપણે જ આપણી ખુશીઓ માટે પ્રયત્નો કરવા પડશે. આપણે પતિ, પત્ની, માતા, પિતા, ભાઈ, બહેન આ બધા પર નિર્ભર રહીએ છે કે જો આ બધા આપણને ખુશ કરે તો જ ખુશ રહીશું, આ જ વિચારધારા આપણને નિરાશા તરફ લઈ જાય છે. આપણે જેમ બાહ્ય દેખાવ જોવા માટે આ બધા પર નિર્ભર નથી રહેતા, જાતે જ પોતાને અરીસામાં જોઈએ છે, તો આંતરિક સ્થિતિ કેમ જાતે ન જોઈ શકીએ?‌ આપણને શું ગમશે, શું ફાવશે, શું જોઈએ છે, એ આપણાથી વધારે કોઈ ન જાણી શકે.

તમારા વર્તનમાં બનાવટ (Sophistication) ન કરો, એનાથી તમે જ ગુંગળાઈ જશો. બનાવટી નકાબ પહેરીને ફરશો તો મનનો અરીસો કદી નહીં મળે. દિલની ઈચ્છાઓ અને ભાવનાઓને ઓળખી પૂરી કરો. ફક્ત પોતાના શરીરનું જ નહીં, મનનું પણ જતન કરો તો ખુશીઓનો ખજાનો ચોક્કસ મળશે.

લોકોને ખુશ કરવાની ઘેલછા છોડો, નકાબ છોડો. પોતાને ખુશી આપે તેવાં કાર્યો કરો, તમને જે ગમે તેવી જ પસંદગી કરો.

  • મનને ઓળખીને અરીસો મળશે,
  • મનથી ભાગીને નકાબ મળશે.

તમારા માટે થોડો સમય ફાળવો, દિવસ દરમિયાન અમુક એકાંતની પળો માણો અને મનોમંથન કરો કે મારે જેવું જીવન જોઈએ છે, હું તેવુ જ જીવન જીવું છું ને. તમે ખુશ હશો તો જ તમારા દરેક સંબંધો ખુશીથી નિભાવી શક્શો, સંબંધો પણ તંદુરસ્ત હશે.

  • નકાબ ન પહેરો,
  • મનનો અરીસો શોધો.

અન્ય બ્લૉગ:

આંસુ સાથે વાત કરીએ / आँसू के साथ बात करें

સ્મિતની સુંદરતા (मुस्कान की सुंदरता)

લોકગીત (ભાઈ બહેનના સંબંધ દર્શાવતું પ્રસિદ્ધ લોકગીત) કોણ હલાવે લીંબડી ને કોણ ઝુલાવે પીપળી

Buy my book directly from Amazon – Click here

5 thoughts on “મનનો અરીસો

Add yours

Leave a Reply

Up ↑

Discover more from Harina's Blog

Subscribe now to keep reading and get access to the full archive.

Continue reading